“પરામર્શ વધારે સભાનતા પ્રદાન કરે છે, અને અટકળને અસંદિગ્ધતામાં પરિવર્તિત કરે છે. એક અંધકારમય વિશ્વમાં તે એક તેજસ્વી પ્રકાશ છે જે માર્ગ દર્શાવે છે અને માર્ગદર્શન આપે છે. પ્રત્યેક વસ્તુ માટે સંપૂર્ણતા અને પરિપક્વતાનું એક સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે. સમજદારીના ઉપહારની પરિપક્વતા પરામર્શ દ્વારા પ્રગટ થાય છે.”


બહાઉલ્લાહ

બહાઈ ધર્મમાં પુરોહિતો નથી. ધર્મના કામકાજનો વહીવટ સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુપ્ત મતદાન દ્વારા ચૂંટાયેલી સંસ્થાઓ દ્વારા થાય છે. ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા કોઈ પણ પ્રકારની જાહેરાતો અથવા પ્રચાર વગર થાય છે. આ સંસ્થાઓમાં ચૂંટાયેલા સદસ્યો વ્યક્તિગત રૂપે કોઈ જ સત્તા ધરાવતા નથી, પરંતુ જે સંસ્થાના તેઓ સભ્ય હોય છે તે સંસ્થાઓ કાયદા-ઘડતર, વહીવટી અને ન્યાયકારી સત્તાઓ ધરાવે છે. આ સંસ્થાઓ બહાઈ સામુદાયિક જીવનના આંતરિક તત્વોનું સંચાલન કરવાની, તેમ જ સમુદાયને આધ્યાત્મિક તથા ભૌતિક સંસાધન પૂરા પાડવાની જવાબદારીઓ ધરાવે છે

બહાઈ વહીવટી વ્યવસ્થાની આ સંસ્થાઓ પરામર્શના સિદ્ધાંત દ્વારા કાર્ય કરે છે. આ સિદ્ધાંત અનુસાર, સંસ્થાના સભ્યો પ્રત્યેક બાબત વિષેનું સત્ય શોધવાના એક માધ્યમ તરીકે પરામર્શનો ઉપયોગ કરે છે. તેઓ નિખાલસપણે તેમના અભિપ્રાય રજૂ કરે છે, પરંતુ તેઓ તેમના અભિપ્રાયો પ્રત્યે આસકત રહેવાથી મુક્ત હોય છે, બલકે તેઓ બીજાઓના અભિપ્રાયોને ધ્યાનપૂર્વક સાંભળે છે કે જેથી વાસ્તવિકતા વિશેનો તેમનો દ્રષ્ટિકોણ વધુ બહોળો થાય. છળ, ચાલાકી, તરફદારી અને સ્વાર્થી અભિપ્રાયોની ઠસાવણી, એ બધાથી આ પ્રક્રિયામાં દૂર રહેવામાં આવે છે.