“દરેક બાળક સંભવતઃ વિશ્વનો પ્રકાશ છે - અને સાથે સાથે તેનો અંધકાર પણ, એટલે જ શિક્ષણના પ્રશ્નને પ્રાથમિક રીતે મહત્વનું ગણવું જોઈએ.”
— અબ્દુલ બહા
એક મોહલ્લાની શેરીમાં બાળકો એક જૂથમાં હસતાં-રમતાં આવી રહ્યાં છે. રસ્તામાં જંગલી છોડ પરથી પીળા ફૂલ તોડે છે, અને એક યુવા માતાના ઘરે લઈ આવે છે જે દર અઠવાડિયે તેમને આધ્યાત્મિક ગુણો વિષે શીખવે છે. તેમના શિક્ષકનું ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યા પછી, સાદડી પાથરે છે અને તેની વચ્ચે ફૂલો મૂકીને તેને શણગારે છે. પછી તેઓ પ્રાર્થના કરવા માટે શાંત થઈ જાય છે, અને તેમણે મોઢે કરેલી થોડી પ્રાર્થનાઓનું મોટેથી સમુહમાં ગાન કરે છે. પછી તેમની શિક્ષિકા તેમને એક નવી પ્રાર્થના શિખવાડે છે. તેઓ એક ગીત ગાય છે, અને પછી વિશ્વાસપાત્રતા વિષે પવિત્ર લખાણોમાંથી એક અવતરણ પર ચર્ચા કરે છે, અને પછી આ ગુણને અમલમાં મૂકવા વિષે એક વાર્તા ધ્યાનપૂર્વક સાંભળે છે. પછી તેઓ એક સહકારી રમત રમે છે, અને ત્યાર બાદ તેઓ જે અવતરણ શીખ્યા હતા તેના પર આધારિત એક ચિત્રમાં રંગ પૂરવામાં મગ્ન થઈ જાય છે.
તેમની શિક્ષિકાએ આ વર્ગ શરૂ કર્યો ત્યારે વર્ગને લયબદ્ધ બનાવવા માટે ઘણું મંથન કરવું પડ્યું હતું, પણ હવે તે જૂએ છે કે બાળકોને શિસ્તમય બનાવવા માટે પ્રણાલિગત કઠોર પગલાં અપનાવવાની કોઈ જરૂર હોતી નથી. વર્ગનું વાતાવરણ પ્રેમ, સહકાર અને પરસ્પર-સન્માનથી વ્યાપ્ત છે, અને આધ્યાત્મિક જીવન જીવવાને લગતી બાળકોની સમજ ઊંડી ઉતરી રહી છે. બાળકો જ્યારે ઘરે પાછા જાય છે ત્યારે તેઓ તેમના કુટુંબીજનોને પોતે જે શિખ્યા છે તેના વિષે વાતો કરે છે. તેમની શિક્ષિકા તેમના માતા-પિતાને પણ સૂચવે છે કે તેઓ તેમના બાળકોને રોજ સવાર-સાંજ પ્રાર્થના કરવાની ટેવ પાડે, અને શક્ય હોય તો તેમના ઘરોમાં ભક્તિ સભાઓનું આયોજન કરે.
ભારતભરમાં દર અઠવાડિયે હજારો જગ્યાઓએ આવાં દ્રષ્યો જોવા મળે છે. અને જેમ જેમ યુવાનો, સ્ત્રીઓ તથા પુરુષો તેમના મોહલ્લાઓમાં બાળકોના નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણના વર્ગો માટે શિક્ષકો તરીકે સેવા કરવા અને તેમના ઘર ખુલ્લા કરવા માટે ઉત્થાન કરી રહ્યા છે તેમ તેમ આવા વર્ગોની સંખ્યા વધી રહી છે. આ વર્ગોમાં માત્ર ‘સાચું’ અને ‘ખોટું’ શું છે તે શિખવા કરતાં, મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે જે ગુણો અને માન્યતાઓ, આદતો તથા આચરણની લાક્ષણિકતાઓ આયવશ્યક છે તેના પર ભાર મૂકાય છે જે એક વ્યક્તિને આધ્યાત્મિક રીતે સમૃધ્ધ બનાવે છે. તેની સાથે, એક મહોલ્લા કે ગામમાં જનસમૂહમાં વિશાળ પાયે જાગૃતિનું સર્જન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે જેથી સમુદાયના બધા લોકો બાળકો જે શીખી રહ્યા છે તેને પ્રબળ કરવા માટે સાથે મળીને કાર્ય કરી શકે.