“અસ્તિત્વના સંસારમાં પ્રાર્થના કરતાં વધારે મધુર બીજું કશું જ નથી. મનુષ્યએ પ્રાર્થનાની સ્થિતિમાં જીવવું જોઈએ. પ્રાર્થના અને યાચનાની સ્થિતિ પરમ આશીર્વાદમય સ્થિતિ છે. પ્રાર્થના ઈશ્વર સાથેનો વાર્તાલાપ છે. સર્વોતમ ઉપલબ્ધિ કે મધુરતમ સ્થિતિ ઈશ્વર સાથેના વાર્તાલાપ સિવાય બીજી કોઈ નથી.”
— અબ્દુલ બહા
ભારતભરમાં ગામડાઓ અને મહોલ્લાઓ સામૂહિક ઉપાસના માટે આયોજિત સભાઓના પ્રસ્ફુટનના સાક્ષી બની રહ્યા છે. હજારો લોકો ઘરોમાં તેમ જ અન્ય જગ્યાઓએ દૈનિક, અઠવાડિક કે માસિક સભાઓમાં પ્રાર્થનામાં ભેગા થઈ રહ્યા છે, પવિત્ર લખાણો વાંચી રહ્યા છે અને તેની પોતાના જીવન પર શું અસર પડવી જોઈએ તેના વિષે વિચાર-વિમર્શ કરી રહ્યા છે. વિવિધ વય તેમ જ પૂર્વભૂમિકાઓના મિત્રોની આ સભાઓ દ્વારા વ્યક્તિઓના આધ્યાત્મિક જીવન સમૃદ્ધ થાય છે અને સમુદાયમાં પ્રેમના આધ્યાત્મિક બંધનો વધુ સબળ બને છે.
જો કે બહાઈ સમુદાય પાસે ઉપાસના મંદિરો છે (નવી દિલ્હી સ્થિત બહાઈ ઉપાસના મંદિર તેનું એક નોંધપાત્ર ઉદાહરણ છે જે કમળ મંદિરને નામે પણ ઓળખાય છે), જેમાં દરેક પૃષ્ઠભૂમિના લોકો પ્રાર્થના તથા ધ્યાન માટે એકઠા થાય છે, બહાઈઓ માટે એવું પ્રત્યેક સ્થળ એક મંદિર સમાન છે જ્યાં લોકો પરમેશ્વરના સ્મરણ માટે એકઠા થાય છે. બહાઈ ધર્મમાં કોઈ પાદરી કે પુરોહિત વર્ગ નહી હોવાથી, તેના સમુદાયની આધ્યાત્મિક સમૃધ્ધિના એક સૂત્રધાર તરીકે સેવા કરવાનું દાયિત્વ પ્રત્યેક વ્યક્તિને સોંપાયું છે, અને ભક્તિ સભાઓનું આયોજન એક એવી રીત છે જેના દ્વારા વ્યક્તિઓ તથા કુટુંબો આ દાયિત્વને નિભાવે છે.