“આ પવિત્ર અવતારો વિશ્વમાં વસંતઋતુના આગમન સમાન રહ્યા છે...કારણકે પ્રત્યેક વસંતઋતુ એક નવજીવનનો સમય હોય છે.”



અબ્દુલ બહા

પરમેશ્વરના બે અવતારો - બાબ અને બહાઉલ્લાહના આગમન સાથે બહાઈ ધર્મનો પ્રારંભ થયો છે. બહાઉલ્લાહે પોતે સ્પષ્ટપણે આપેલા આદેશોને કારણે તેમના સ્વર્ગવાસ બાદ પણ દિવ્ય માર્ગદર્શનનું સાતત્ય જળવાઈ રહ્યું છે, જેને કારણે બહાઈ ધર્મ આજે એક અજોડ ઐક્યપણું ધરાવે છે, અને સદાકાળ રહેશે. માર્ગદર્શનનો સત્તાધિકાર, જે સંવિદા તરિકે ઓળખાય છે, તે બહાઉલ્લાહે તેમના પુત્ર અબ્દુલબહાને આપ્યો હતો, અને અબ્દુલબહાએ તેમના પૌત્ર શોઘી એફેન્દીને તથા વિશ્વ ન્યાય મંદિરને – જેની સ્થાપનાનો આદેશ બહાઉલ્લાહે કર્યો હતો. એક બહાઈ બાબ, બહાઉલ્લાહ, તેમ જ તેમણે નિયુક્ત કરેલા ઉત્તરાધિકારીઓની સત્તા સ્વીકારે છે.

બાબ
બાબ બહાઈ ધર્મના અગ્રદૂત છે. ઓગણીસમી સદીની મધ્યમાં તેમણે ઘોષણા કરી હતી કે તેઓ દિવ્ય સંદેશના વાહક હતા જે માનવજાતિના આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન લાવવા માટે નિયત હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ પરમેશ્વરના દ્વિતીય અવતારના આગમન માટેનો માર્ગ તૈયાર કરવાનો હતો – એક એવા અવતાર જે તેમના પોતાનાથી વધુ મહાન હતા, અને જે શાંતિ અને ન્યાયના યુગની સ્થાપના કરશે.

બહાઉલ્લાહ
બહાઉલ્લાહ – “ઈશ્વરની મહિમા” – પ્રતિક્ષીત અવતાર છે જેની બાબ અને ભૂતકાળના બધા દિવ્ય અવતારોએ ભવિષ્યવાણી કરી હતી. બહાઉલ્લાહે માનવજાત સમક્ષ ઈશ્વર તરફથી નવું પ્રગટીકરણ આપ્યું છે. તેમની કલમમાંથી હજારો શ્લોકો, પાતિઓ અને ગ્રંથોનો પ્રવાહ વહ્યો છે. તેમના લખાણોમાં, તેમણે એક એવી વિશ્વ સંસ્કૃતિના વિકાસની રૂપરેખા નિર્ધારિત કરી છે જે માનવજાતિના આધ્યાત્મિક તેમ જ ભૌતિક – બન્ને પાસાંઓને આવરી લે છે. અને તેના માટે તેમણે ચાળીસ વર્ષ કારાવાસ, યાતનાઓ અને દેશવટો સહન કર્યા હતા.

અબ્દુલ બહા
બહાઉલ્લાહે તેમની વસિયતમાં તેમના જ્યેષ્ઠ પુત્ર અબ્દુલ બહાની તેમના શિક્ષણોના અધિકૃત અર્થઘટક અને પ્રભુધર્મના વડા તરિકે નિમણૂંક કરી. પૂર્વ તેમ જ પશ્ચિમમાં તેઓ શાંતિના દૂત, એક આદર્શ મનુષ્ય અને એક નવા ધર્મના પ્રણેતા તરિકે પ્રખ્યાત થયા.

શોઘી એફેન્દી
અબ્દુલ બહાએ તેમના જ્યેષ્ઠ પૌત્ર શોઘી એફેન્દીની બહાઈ ધર્મના સંરક્ષક તરિકે નિમણૂંક કરી. શોઘી એફેન્દીએ સમસ્ત માનવજાતિની વિવિધતાને વધારે ને વધારે પ્રતિબિંબિત કરતા વિશ્વવ્યાપી બહાઈ સમુદાયનો વિકાસ કરવામાં, તેની સમજને વધારે ગાઢ બનાવવામાં અને તેની એકતા સબળ બનાવવામાં છત્રીસ વર્ષ ગાળ્યાં.

વિશ્વ ન્યાય મંદિર
આજે વિશ્વ ન્યાય મંદિર વિશ્વવ્યાપી બહાઈ સમુદાયના વિકાસનું માર્ગદર્શન કરે છે. બહાઉલ્લાહે તેમના કાયદાના ગ્રંથમાં વિશ્વ ન્યાય મંદિરને માનવજાતિનું કલ્યાણ ઉપર સકારાત્મક પ્રભાવ પાડવાનો, શિક્ષણ, શાંતિ અને વિશ્વ સમૃધ્ધિમાં અભિવૃધ્ધિ કરવાનો, તથા માનવ સન્માન અને ધર્મના સ્થાનનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.